- શિક્ષણ વિભાગના પરિપત્રનો કડક અમલ કરાવવાની જવાબદારી મુખ્ય શિક્ષક
- કચ્છમાં એક છેડેથી બીજા છેડાના સેન્ટર સુધી બદલીની સજા કરાશે

ભુજ: પ્રાથમિક શિક્ષણને સુધારવા અને હાલમાં નોંધાયેલા 3.68 લાખ બાળકોના શિક્ષણમાં અસર ન થાય તેવા હેતુથી શિક્ષકોને ચાલુ વર્ગખંડ દરમિયાન મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાદતો પરિપત્ર જારી કરાયો છે, જેનો કડક અમલ કરાશે તેવા દાવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યા છે. કચ્છની પ્રયમરી સ્કૂલ્સમાં રિશેષના સમય સિવાય શિક્ષકો કે વિદ્યાસહાયકો સેલફોન પર વાત નહીં કરી શકે.

વર્ગખંડમાં વાત કરતા પકડાશે તો તેમના પર ત્રણ તબક્કામાં સજા નિયત કરાઇ છે, જેમાં કારણદર્શક નોટિસથી માંડીને તેમના સેન્ટરથી છેવાડાના કેન્દ્ર સુધી બદલી અને સેવાપોથીમાં નોંધ કરવાની સજાનો સમાવેશ થાય છે. આ પરિપત્રનો અમલ કચ્છની 1700 શાળાના 8600 શિક્ષક અને વિદ્યાસહાયકોને લાગુ પડશે. આ અંગેના અમલીકરણ માટે મુખ્ય શિક્ષકની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીઅે 14મી જુલાઇઅે જારી કરેલો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં જણાવાયા મુજબ શિક્ષકો દ્વારા ચાલુ શાળાઅે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી શૈક્ષણિક કાર્યમાં એકાગ્રતા રહેતી નથી. રાજ્યના શિક્ષણમંત્રીએ પણ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, તેથી આ પરિપત્ર જારી કરીને તમામ શિક્ષકો અને વિદ્યાસહાયકોને ચીમકીભરી જાણ કરવામાં આવી છે, જેમાં જણાવ્યા મુજબ શિક્ષકોએ તેમનો મોબાઇલ ફોન મુખ્ય શિક્ષક પાસે જમા કરાવવાનો રહેશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન તેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

- જો ફોન પર વાત કરતાં પકડાશે તો અાવા પગલાં ભરાશે

પ્રથમ વખત કોઇ શિક્ષક કે વિદ્યાસહાયક ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ફોનનો ઉપયોગ કરતાં પકડાશે, તો સંબંધિત શાળાના મુખ્ય શિક્ષકે લેખિતમાં તાકીદ કરવાની રહેશે અને તે અંગેની નોંધ સેવાપોથીમાં કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવાની રહેશે. બીજી વખત જો સૂચનાનો ભંગ કરતાં પકડાય, તો મુખ્ય શિક્ષકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરીને કારણદર્શક નોટિસ ફટકારીને હવેથી આદેશનો ભંગ ન થાય તે માટે લેખિત બાંહેધરી લેવાશે. જો ત્રીજી વખત પણ સેલ ફોનનો ચાલુ શિક્ષણ કે વર્ગખંડમાં ઉપયોગ કરતાં એ જ શિક્ષક જણાશે, તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાલુકા સ્તરેથી જાણ કરવાની રહેશે અને સંબંધિત શિક્ષક કે વિદ્યાસહાયકની વહીવટી બદલીની ભલામણ રાજ્ય શિક્ષણ નિયામકને કરાશે અને તેના કેન્દ્રથી છેવાડાના કેન્દ્રમાં પણ બદલી કરાશે એમ ડીપીઓ સોલંકીએ કહ્યું હતું.

Post a Comment

 
Top