અમદાવાદ સહિત જુદા જુદા જિલ્લાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો અને વહીવટી કર્મચારીઓની તાજેતરમાં થયેલી બદલી બાદ ભારે વિવાદ થતાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ બદલીઓ રદ કરીને ટ્રાન્સફર કરાયેલા કર્મચારી અને શિક્ષકોને પોતાની જૂની જગ્યા પર પરત જવાના આદેશ કરાયો છે. આ સિવાય ભવિષ્યમાં પણ બદલીઓનો નિર્ણય પ્રાથમિક શિક્ષણ નિયામકની મંજૂરી વિના ન કરવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરના જિલ્લા પ્રાથમિક શાળા અને અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકની અંદાજે ૩૦૦ પ્રાથમિક શાળાઓમાંથી મોટાપાયે બદલીઓ કરાઈ હતી. સૂત્રો કહે છે આ રીતે સમગ્ર રાજ્યમાંથી અંદાજે ૫ હજારથી વધારે શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવાયા હતા. આ બદલીઓ જે તે જિલ્લાના ડીપીઓ અને શાસનાધિકારીઓ દ્વારા કરાઈ હતી. જો કે, બદલીઓના મુદ્દે હોબાળો થયો હતો. ઉચ્ચસ્તર સુધી ફરિયાદ જતાં તાકીદે અમદાવાદની ૩૦૦ સહિત રાજ્યની તમામ શિક્ષકો અને વહીવટી કર્મચારીઓની બદલીઓ રદ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત જેમની બદલી થઇ હતી તેમને જૂની જગ્યાએ વહેલામાં વહેલી તકે હાજર થવાના આદેશ કરી દેવાયા હતા. આ ઉપરાંત હવે પછી બદલીનો કોઇપણ નિર્ણય પ્રાથમિક શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વિના ન કરવાની પણ તાકિદ કરવામાં આવી છે. સૂત્રો કહે છે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આ બદલીઓ માટે ૩૫ હજારથી લઇને ૫૦ હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. જે કર્મચારીઓ આ રૂપિયા આપીને ટ્રાન્સફર થયા હતા તેઓેએ હવે રૂપિયા અને નવી જગ્યા બન્ને ગુમાવવાનો વખત આવ્યો છે.
Post a Comment